Lumina
Zechariah

Restoration of Israel

Zechariah 10·Gujarati Bible

1વસંતઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે વાદળો અને વરસાદને મોકલે છે અને દરેક માણસના ખેતરમાં લીલોતરી ઉગાડે છે;

2જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.

3યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.

4“તેઓમાંથી જ ખૂણાનો મુખ્ય પથ્થર, તમામ આશાઓનો આધાર જેના પર છે તે ખીલો, યુદ્ધને જીતનાર ધનુષ્ય, અને દરેક રાજ્યકર્તા પ્રગટ થશે.

5દેવની સહાયથી તેઓ બળવાન યોદ્ધાઓ થશે અને દુશ્મનોને રસ્તાના કાદવમાં કચડી નાખશે. યહોવા તેમની સાથે છે. તેઓ શત્રુઓના સૈનિકોને હરાવી દેશે.

Zechariah 10 illustration - Zechariah Chapter 10

6હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ અને ઇસ્રાએલના લોકોને પણ ઉગારી લઇશ. મને તેમના પર દયા આવે છે, માટે હું તેમને પાછા લાવીશ અને કોણ જાણે કેમ મેં તેમનો ત્યાગ જ ન કર્યો હોય એવી તેમની સ્થિતિ હશે, કારણ, હું યહોવા, તેમનો દેવ છું અને તેમની પ્રાર્થના સાંભળીશ.

7ઇસ્રાએલના લોકો બળવાન યોદ્ધા જેવા બની જશે અને તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદમાં આવી જશે. તેમના વંશજો તે જોઇને ખુશ થશે અને મારી કૃપા યાદ કરીને તેમનાં હૃદય હરખાશે.

8“હું તેમને સીટી વગાડીને સંકેત કરીશ અને તેઓને સાથે ભેગા થવા માટે બોલાવીશ. અને તેઓની સંખ્યાં વધીને પહેલાનાં જેટલી થશે.

9મેં તેમને જુદી જુદી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં છે છતાં દૂરદૂરના દેશોમાં તેઓ મને સંભારશે. અને તેઓ પોતાનાં બાળકો સાથે જીવતાં પાછા આવશે.

10હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય.

Zechariah 10 illustration - Zechariah Chapter 10

11તેઓ આફતના દરિયામાંથી સલામત પાર ઉતરશે. કારણ, મોજાઓને રોકી રાખવામાં આવશે. નાઇલ નદી સૂકાઇ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મારા લોક પરના મિસરના શાસનનો અંત આવશે.”

12યહોવા કહે છે, “હું મારા લોકને મારા સાર્મથ્યથી બળવાન કરીશ, અને તેઓ મારે નામે આગળ વધશે.” આ યહોવાના વચન છે.

Chapter Complete

You have read Zechariah 10

12 verses