Lumina
Matthew

The Twelve Apostles

Matthew 10·Gujarati Bible

1ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી.

2બાર પ્રેરિતોનાં નામ આ પ્રમાણે છે:પ્રથમ સિમોન જે પિતર કહેવાય છે તેનો ભાઈ આંન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ તથા તેનો ભાઈ યોહાન.

3ફિલિપ અને બર્થોલ્મી; થોમા તથા કર ઉઘરાવનાર માથ્થી; અલ્ફીનો દીકરો યાકૂબ અને થદી;

4સિમોન કનાનીતથા યહૂદા ઈશ્કરિયોત, જે તેને દુશ્મનના હાથમાં સોપી દેનારો હતો.

5આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ.

Matthew 10 illustration - Matthew Chapter 10

6પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે.

7જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’

8માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો.

9તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ.

10મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ.

Matthew 10 illustration - Matthew Chapter 10

11“જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો.

12જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’

13જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે.

14અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો.

15હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે.

Matthew 10 illustration - Matthew Chapter 10

16“સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ.

17લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે.

18તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો.

19જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે.

20તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે.

Matthew 10 illustration - Matthew Chapter 10

21“ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે.

22જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે.

23જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો.

24“ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી.

25ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!

Matthew 10 illustration - Matthew Chapter 10

26“આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે.

27હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો.

28“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.

29એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે.

30દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે.

Matthew 10 illustration - Matthew Chapter 10

31તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે.

32“જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ.

33પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ.

34“એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું.

35‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ, પુત્રીને તેની મા વિરૂદ્ધ, અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું.

Matthew 10 illustration - Matthew Chapter 10

36મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’

37જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી.

38જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી.

39જે માણસ મારા કરતાં તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે. પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તેજ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે.

40“જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે.

Matthew 10 illustration - Matthew Chapter 10

41જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે.

42હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”

Chapter Complete

You have read Matthew 10

42 verses