Lumina
Luke

Luke 15

Luke 15·Gujarati Bible

1ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા.

2પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!”

3પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી:

4“ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.

5અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે.

Luke 15 illustration - Luke Chapter 15

6તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’

7એ જ પ્રમાણે , હું તમને કહું છું, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે. જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે.

8“ધારોકે એક સ્ત્રી પાસે દસ ચાંદીના સિક્કા છે, પણ તે તેઓમાંનો એક ખોવાઇ જાય છે. તે સ્ત્રી દીવો લઈને ઘર સાફ કરશે. જ્યાં સુધી તે સિક્કો નહિ મળે ત્યાં સુધી તે કાળજીપૂર્વક તેની શોધ કરશે.

9અને જ્યારે તેને ખોવાયેલો સિક્કો જડે છે, ત્યારે તે તેના મિત્રો અને પડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે, ‘મારી સાથે આનંદ કરો કારણ કે મને મારો ખોવાએલો સિક્કો જડી ગયો છે.

10તે જ પ્રમાણે, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દેવના દૂતો આનંદ કરે છે.”

Luke 15 illustration - Luke Chapter 15

11પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા.

12નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી.

13“પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા.

14તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી.

15તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.

Luke 15 illustration - Luke Chapter 15

16તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ.

17“તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી.

18હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે.

19હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’

20પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી.

Luke 15 illustration - Luke Chapter 15

21પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’

22“પણ પિતાએ નોકરોને કહ્યું, “જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો.”

23એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું.

24મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી.

25“મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો.

Luke 15 illustration - Luke Chapter 15

26તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’

27નોકરે કહ્યું; ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’

28“મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું.

29પુત્રએ તેના પિતાને કહ્યું; ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી.

30પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’

Luke 15 illustration - Luke Chapter 15

31“પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે.

32આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.”‘

Chapter Complete

You have read Luke 15

32 verses