Lumina
Jeremiah

Fall of Babylon Foretold

Jeremiah 51·Gujarati Bible

1યહોવા કહે છે કે, “જુઓ, હું બાબિલની વિરુદ્ધ, તથા ખાલદીઓના સમગ્ર દેશની વિરુદ્ધ હું વિનાશક વાયુ લાવીશ અને તે તેઓનો નાશ કરશે.

2હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે, વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે.

3ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય. તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો, તેમના સૈન્યનો નાશ કરો.

4ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઇને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.”

5કારણ કે, ઇસ્રાએલને તેમના સૈન્યોનો દેવ યહોવા નીચું નહિ પાડે. બાબિલની ભૂમિ ઇસ્રાએલના સૈન્યોનો યહોવા દેવની વિરુદ્ધ અપરાધોથી ભરેલી છે.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

6બાબિલમાંથી ભાગી જાઓ! સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.

7બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને તેઓ ઘેલા થયા.

8પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધી લઇ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.

9બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. એને છોડી દઇને, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કારણ કે તે અમાપ સજાને પાત્ર છે.

10યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

11તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે.

12બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો. ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો, કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.

13તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.

14સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.”

15યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના જ્ઞાનથી તેને સ્થિર કરીને સ્થાપી છે, પોતાના કૌશલથી આકાશને ફેલાવ્યું છે.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

16જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે, અનેે પવનને મોકલે છે.

17તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેમને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઇને લજ્જિત થાય છે, કારણ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે.

18મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; દેવ તેમને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.

19પરંતુ યાકૂબનો દેવ એવો નથી; તે તો સમગ્ર સૃષ્ટિનો સર્જક છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે, તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે.

20યહોવા કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે; તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ; અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ;

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

21તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ,

22અને હા, સામાન્ય લોકોને પણ, એટલે વૃદ્ધોને તથા જુવાનોને, છોકરાઓને તથા કન્યાઓને,

23ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.

24બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને, તેમણે સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એમ યહોવા કહે છે.

25યહોવા કહે છે, “હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ, અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઇશ.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

26તારો કોઇ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય. તું સદાને માટે ખંડેર રહેશે.” આ હું યહોવા બોલું છું.

27“પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.

28તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ, અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર.

29પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે, કારણ કે યહોવા બાબિલને નિર્જન વગડાઉ સ્થળ બનાવવાની તેની યોજના પાર પાડે છે.

30બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

31“આખું શહેર કબ્જે થઇ ગયું છે” તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક રાજા પાસે દોડી આવ્યા છે!

32નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબ્જે કરાયા છે. બરૂની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, અને સૈનિકો ગભરાઇ ગયા છે.”

33ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: “બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.”

34યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.”

35યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!”

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

36આથી યહોવા પોતાના લોકોને કહે છે, “હું જાતે તમારો પક્ષ લઇશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ,

37અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ. જ્યાં શિયાળવાં આવીને વસશે. લોકો તેની હાંસી અને નાલેશી કરશે અને કોઇ ત્યાં વાસો કરશે નહિ.

38બાબિલવાસીઓ બધા ભેગા થઇને સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાંની જેમ ઘૂરઘૂરાટ કરે છે.

39જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે.

40“હું તેઓને કતલ માટે લઇ જવાતા ઘેટાંઓની જેમ લઇ જઇશ.”

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

41બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે.

42બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે.

43તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઇ ગયો છે. ત્યાં કોઇ રહેતું નથી અને તેમાં થઇને યાત્રીઓ પણ પસાર થતા નથી.”

44યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.

45ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાના ભયંકર રોષમાંથી જીવ બચાવવા સૌ ભાગી જાઓ!

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

46હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઇ જશો નહિ, એક વરસે એક અફવા ફેલાય છે, અને બીજે વરસે બીજી- દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યો છે.

47તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.

48ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે, અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ તેમાંનું સર્વ કઇં બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે.” આ યહોવાના વચન છે.

49“બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી.

50તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો, તે ભાગી જાઓ! રોકાશો નહિ! દૂર દેશમાં યહોવાને સંભારજો, અને યરૂશાલેમને ભૂલશો નહિ.”

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

51લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ, આપણે લજ્જિત થયા છીએ, કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.”

52તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘવાયેલાઓનો આર્તનાદ સંભળાતો હશે.

53જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ હું તેને હતું ન હતું કરી નાખવા માણસો મોકલીશ.” આ યહોવાના વચન છે.

54“સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર, અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો.

55યહોવા બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

56હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.”

57સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.

58બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણાં લોકોએ પોતાની જાતને ધસી નાખી હતી તે બધું ભસ્મ થઇ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”

59યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યમિર્યા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો.

60યમિર્યાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.

Jeremiah 51 illustration - Jeremiah Chapter 51

61તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે,

62‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’

63જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે,

64‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.”‘અહીં યમિર્યાના વચન પૂરા થાય છે.

Chapter Complete

You have read Jeremiah 51

64 verses