Lumina
Jeremiah

Jeremiah's Complaint

Jeremiah 12·Gujarati Bible

1હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? બદમાશો કેમ નિરાંતે જીવે છે?

2તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે. અને તેઓનો વેપાર વધતો જાય છે, તેઓ ઘણો નફો કરે છે. અને ધનવાન થાય છે. તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી.

3હે યહોવા, તમે મને જાણો છો, તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે? તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા, અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક.

4અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે? તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે! વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે. દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે, “આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!”

5યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો, યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે?

Jeremiah 12 illustration - Jeremiah Chapter 12

6અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”

7પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો, મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે; મારી અતિપ્રિય પ્રજાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે.

8મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે. અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું.

9મારા પોતાના લોકો કાબરચીતરાં બાજ જેવા છે; બીજા બધાએ ચારેબાજુએથી તેમના પર હલ્લો કર્યો છે. ચાલો, જંગલનાં સર્વ પશુઓ એકઠા થાઓ અને મિજબાનીમાં જોડાઇ જાઓ.

10ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે. તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે. અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે.

Jeremiah 12 illustration - Jeremiah Chapter 12

11તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, કારણકે ત્યાં રહેતી કોઇ પણ વ્યકિત તેની કાળજી લેતી નથી.

12વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે. કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે. દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી બધાના જીવને અશાંતિ છે.

13મારા લોકોએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. મારા ઉગ્ર રોષને લીધે તેઓની ફસલ નકામી ગઇ છે.”

14યહોવા કહે છે, “જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇસ્રાએલને આપ્યો છે, તેને જ મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે,” તેથી યહોવા તેઓ વિષે કહે છે, “જુઓ, હું તેઓની ભુમિમાંથી તેઓને ઉખેડી નાખીશ, અને હું તેમના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઇશ.

15પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ.

Jeremiah 12 illustration - Jeremiah Chapter 12

16જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે; ‘એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.

17પરંતુ જે કોઇ પ્રજા મને આધીન થવાનો ઇન્કાર કરશે, તો હું તેને જડમૂળથી ઉખેડી નાખીશ અને તેનો નાશ કરીશ.” આ યહોવાના વચન છે.

Chapter Complete

You have read Jeremiah 12

17 verses