Lumina
Isaiah

Egypt's Worthless Help

Isaiah 30·Gujarati Bible

1યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;

2તેઓ મને પૂછયાં વિના મિસરની છાયામાં શરણું લેવા તેના રાજા ફારુનના રક્ષણમાં આશ્રય લેવા મિસર જવા નીકળી પડ્યા છે!

3“પણ ફારુનનો આશ્રય લેવા જતાં તેમની માત્ર ફજેતી જ થશે, અને મિસરની છાયામાં શરણું લેવાથી માનહાની જ થશે.

4જો કે તેના અમલદારો સોઆનથી લઇને હાનેસ સુધી મુસાફરી કરે છે.

5પણ તેઓ કઇ કામના નથી, જેઓ તેમના પર આધાર રાખે છે તેને તેમના તરફથી માત્ર અપમાન અને અપયશ જ મળશે, મદદ નહિ.”

Isaiah 30 illustration - Isaiah Chapter 30

6દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: “એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.

7પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.

8યહોવાએ મને કહ્યું, “હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,

9કારણ કે તેઓ બળવાખોર લોકો અને બેવફા બાળકો છે. તેઓ યહોવાના શિક્ષણને સાંભળતા નથી.”

10તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો.

Isaiah 30 illustration - Isaiah Chapter 30

11રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”

12આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો,

13એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.

14જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”

15કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.

Isaiah 30 illustration - Isaiah Chapter 30

16એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે.

17તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.

18તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.

19હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.

20યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો.

Isaiah 30 illustration - Isaiah Chapter 30

21જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”

22જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.

23તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે.

24અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે.

25શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.

Isaiah 30 illustration - Isaiah Chapter 30

26જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.

27જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;

28તેનો શ્વાસ ગળા સુધી આવતી ધસમસતી નદી જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના જડબામાં તિકારક લગામ મૂકે છે.

29પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.

30યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.

Isaiah 30 illustration - Isaiah Chapter 30

31યહોવાના અવાજથી આશ્શૂરના લોકો શિક્ષા પામશે. એક સમયે યહોવાએ તે પ્રજાનો શિક્ષાની લાકડી તરીકે ઉપયોગ કર્યો હતો.

32જ્યારે યહોવા તેઓને શિક્ષા કરશે ત્યારે યહોવાના લોકો વાજીંત્રોના નાદ સાથે ગાયનોથી આનંદ કરશે.

33આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.

Chapter Complete

You have read Isaiah 30

33 verses