Lumina
Isaiah

Burden of Egypt

Isaiah 19·Gujarati Bible

1મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.

2દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય.

3મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.”

4આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”

5નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે.

Isaiah 19 illustration - Isaiah Chapter 19

6નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઇને સુકાઇ જશે; નાળાં સુકાઇ જશે. ગંધાઇ ઊઠશે, અને બરુ અને કમળ ચીમળાઇ જશે.

7નીલનદીને કાંઠે આવેલી તમામ લીલોતરી અને તેની આસપાસ જે કઇં વાવ્યું છે તે બધું સૂકાઇ જશે. પવનમાં ઊડી જશે. અને તેનું કોઇ નામો નિશાન નહિ રહે.

8માછીઓ શોક કરશે, નીલમાં ગલ નાખનારાઓ આક્રંદ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નાસીપાસ થશે.

9પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નિરાશ થશે.

10તેણીના (મિસરના) પાયાઓ હચમચી જશે અને બધા કામદારો નિરાશ થઇ જશે.

Isaiah 19 illustration - Isaiah Chapter 19

11સોઆનના રાજકર્તાઓ બિલકુલ મૂર્ખ છે, ફારુનના ડાહ્યા ગણાતા મંત્રીઓ પણ અક્કલ વગરની સલાહ આપે છે. તેઓ ફારુન આગળ એવું કેવી રીતે કહી શકે કે, “અમે પ્રાચીન કાળના જ્ઞાની પુરુષોના અને રાજાઓના વંશજ છીએ?”

12હે હારુન, તારા એ જ્ઞાની પુરુષો ક્યાં છે? હોય તો આગળ આવે અને સૈન્યોના દેવ યહોવાએ મિસરનું શું કરવા ધાર્યુ છે, તે તને જણાવે અને સમજાવે.

13સોઆનના રાજકર્તાઓ બેવકૂફ છે, નોફના રાજકર્તાઓ મમાં છે; મિસરના આગેવાનોએ જ દેશને ખોટે રસ્તે ચડાવ્યો છે.

14યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે.

15કોઇપણ વ્યકિત, મહત્વની કે બિન મહત્વની, તે સમયે મિસરને બચાવી નહિં શકે.

Isaiah 19 illustration - Isaiah Chapter 19

16તે દિવસે મિસરીઓ સૈન્યોના દેવ યહોવાને પોતાની સામે હાથ ઉગામતો જોઇને, સ્ત્રીની જેમ ભયભીત થઇને થથરવા લાગશે.

17યહૂદાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના દેવ યહોવાએ મિસરના જે હાલ કરવા ધાર્યા છે તેને લીધે યહૂદાનું નામ સાંભળતાં વેંત મિસરીઓ થથરી જશે.

18તે સમયે મિસરમાં પાંચ નગરો એવાં હશે, જ્યાં કનાની ભાષા બોલાતી હોય અને જ્યાં સૈન્યોના દેવ યહોવાના સોગંદ લેવાના હોય તેમાનું એક “વિનાશનું નગર” કહેવાશે.

19તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે.

20એ મિસર દેશમાં સૈન્યોનો દેવ યહોવાની એંધાણી અને સાક્ષીરૂપ બની રહેશે. તેઓ જ્યારે જુલમગારના અન્યાયથી ત્રાસીને યહોવાને ધા નાખશે ત્યારે તેમને એક તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે,

Isaiah 19 illustration - Isaiah Chapter 19

21યહોવા મિસરીઓને પોતાનો પરચો બતાવશે અને પછી મિસરીઓ તેને પ્રેમ કરશે; અને યહોવાને બલિદાન તથા અર્પણો આપીને તેની ઉપાસના કરશે; અને યહોવાને વચનો આપીને અને તેને પરિપૂર્ણ કરીને તેને પ્રસન્ન કરશે.

22યહોવા મિસર પર ઘા કરશે. અને પછી ઘાને રૂઝવશે, મિસરીઓ યહોવા તરફ વળશે અને તે તેમની અરજ સાંભળી તેમના ઘા રૂઝવશે.

23તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે.

24તે દિવસે મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇસ્રાએલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઇ જશે.

25સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”

Chapter Complete

You have read Isaiah 19

25 verses