Lumina
Isaiah

Burden of Babylon

Isaiah 13·Gujarati Bible

1આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:

2“ઉજ્જડ પર્વત પર ધ્વજા ઊંચે ફરકાવો. તેઓને ઊંચે સાદે હાંક મારો, હાથના ઇશારા કરો કે તેઓ ઉમરાવોના દરવાજા પર ત્રાટકે.”

3દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા યોદ્ધાઓને મારા સૈનિકોને, મારા વિશ્વાસુ લડવૈયાઓને, મારો વિરાટ ગુસ્સો બતાવવાનો મેં હુકમ કર્યો છે.

4સાંભળો! પર્વતો પર મોટી મેદનીનો કોલાહલ સંભળાય છે! ભેગા થતાં રાજ્યોનો અને પ્રજાઓનો શોરબકોર સાંભળો! સૈન્યોના દેવ યહોવા, યુદ્ધ માટે સૈન્યોને ભેગાં કરે છે.

5યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી, ક્ષિતિજને પેલે પારથી સમગ્ર દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”

Isaiah 13 illustration - Isaiah Chapter 13

6આક્રંદ કરો, કારણ કે યહોવાનો દિવસ આવી ગયો છે. સર્વ શકિતશાળી તરફથી સર્વનાશ આવશે.

7બધા લોકોના હાથ ખોટા થઇ જશે. તેમના હૃદય હારી જશે.

8તેઓ દુ:ખ અને વેદના અનુભવશે, પ્રસવવેદના ભોગવતી સ્ત્રી જેમ તેઓ કષ્ટ પામશે; તેઓ ગભરાઇ જશે અને ડરથી એકબીજા સામે અનિમેષ ષ્ટિથી જોયા કરશે.

9જુઓ, યહોવાનો દિવસ આવે છે; તે રોષ અને ભયંકર ક્રોધથી નિર્દય બનીને ધરતીને ઉજ્જડ કરી નાખશે અને તેમાંથી પાપીઓનો સંહાર કરશે;

10આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપતાં બંધ થઇ જશે. સૂર્ય ઊગતાંની સાથે ઘોર અંધકાર થઇ જશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.

Isaiah 13 illustration - Isaiah Chapter 13

11સૈન્યોના દેવ યહોવા કહે છે, “હું જગત ઉપરનાં પાપો માટે આફત ઉતારીશ; તેમના ગુનાઓ માટે દંડ ફટકારીશ. હું ઉદ્ધત વ્યકિતઓનું અભિમાન ઉતારીશ.

12જુલમગારોની તુમાખીને ધૂળ ચાટતી કરી નાખીશ. ઓફીરના શુદ્ધ સોનાની માફક લોકો પણ દુર્લભ થઇ જશે.

13હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”

14બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે.

15બાબિલમાં રહેતા દરેક જણ જે પકડાઇ ગયાં છે, તેઓને ભાલાથી વીંધી નાખવામાં આવશે અને પકડાયેલો દરેક જણ તરવારનો ભોગ બનશે.

Isaiah 13 illustration - Isaiah Chapter 13

16તેમનાં બાળકોને તેમનાં દેખતાં પછાડીને મારી નાખવામાં આવશે, તેમનાં ઘરો લૂંટી લેવામાં આવશે, અને તેમની સ્ત્રીઓની લાજ લૂંટવામાં આવશે.

17“કારણ કે હું માદીઓને બાબિલની વિરુદ્ધ ઉશ્કેરીશ અને ચાંદીના કે સોનાના મોટા જથ્થા વડે તેઓ રીઝશે નહિ,

18બાબિલના યુવાનો, બાળકો કે વૃદ્ધો પર લશ્કરના સૈનિકો દયા દાખવશે નહિ.

19“સદોમ અને ગમોરાનો નાશ યહોવાએ આકાશમાંથી આગ મોકલીને કર્યો હતો. તે જ પ્રમાણે રાજ્યોમાં સૌથી ગૌરવવાન, ખાલદીઓના વૈભવ અને ગર્વરૂપ બાબિલ તેમના હાથે ખેદાનમેદાન થઇ જશે.

20એમાં ફરી કદી વસતિ થશે નહિ, દીર્ઘકાળપર્યંત એમાં કોઇ વસશે નહિ, કોઇ ભટકતી ટોળી પણ ત્યાં તંબુ તાણશે નહિ, કોઇ ભરવાડ ત્યાં ઘેટાબકરાંને પણ નહિ બેસાડે.

Isaiah 13 illustration - Isaiah Chapter 13

21પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે.

22એનાં આલીશાન મકાનોમાં અને એનાં રંગમહેલોમાં વરુ અને શિયાળવાં ભૂંકતા રહેશે. એના દિવસો ભરાઇ ગયા છે, એનો સમય પૂરો થઇ ગયો છે.”

Chapter Complete

You have read Isaiah 13

22 verses