Lumina
Genesis

યાકૂબ લાબાન પાસેથી ભાગે છે

Genesis 31·Gujarati Bible

1એક દિવસ યાકૂબે લાબાનના પુત્રોને વાતો કરતાં સાંભળ્યા, તેઓએ કહ્યું કે, “યાકૂબે અમાંરા પિતાજીનું સર્વસ્વ લઈ લીધું છે. તે ધનવાન બની ગયો છે અને તેણે અમાંરા પિતાની બધી મિલકત લઇ લીધી છે.

2યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી.

3યહોવાએ યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓની ભૂમિમાં તારી જન્મભૂમિમાં પાછો ચાલ્યો જા. હું તારી સાથે રહીશ.”

4તેથી યાકૂબે રાહેલ અને લેઆહને, જે ખેતરમાં ઘેટાંબકરાં હતાં ત્યાં મળવા માંટે આવવા કહેવડાવ્યું.

5યાકૂબે રાહેલ અને લેઆહને કહ્યું, “હું જાણું છું કે, તમાંરા પિતાજી માંરા પ્રત્યે રોષે ભરાયેલ છે, તેમનો માંરા પ્રત્યે પહેલા જેવો મૈત્રી ભાવ નથી. પણ માંરા પિતાનો દેવ માંરી સાથે છે.

Genesis 31 illustration - Genesis Chapter 31

6તમે બંને જાણો છો કે, મેં તમાંરા પિતા માંટે માંરાથી શકય તેટલી સખત મહેનત કરી છે.

7પરંતુ તમાંરા પિતાએ માંરી સાથે દગો કર્યો. દશ વખત તો માંરી મજૂરીના દરમાં ફેરફાર કર્યો છે. છતાં બધાં જ સમયે દેવે મને લાબાનના પ્રપંચમાંથી બચાવ્યો છે.

8“એક વખત લાબાને મને કહ્યું, ‘તારી મજૂરીના બદલામાં બધી જ ટપકાંવાળી બકરીઓ રાખી શકે છે.’ એણે આમ કહ્યું ત્યારથી બધાં જ ઘેટાંબકરાંને ટપકાંવાળાં બચ્ચાં જ જનમતાં. આ પ્રકારનાં બધાં જ પ્રાણીઓ માંરા હતાં. પરંતુ પછી લાબાને કહ્યું, ‘હું ટપકાંવાળાં પ્રાણીઓ રાખીશ, તું ચટાપટાવાળાં રાખી શકે છે. તે તારી મજૂરી ગણાશે.’ તેના એમ કહ્યા પછી બધાં જ પ્રાણીઓને ચટાપટાવાળાં જ બચ્ચાં જનમતાં,

9આ રીતે દેવે તમાંરા પિતાના ઢોર લઈને મને આપ્યાં છે.

10“જે સમયે ઘેટાંબકરાં ગર્ભધારણ કરવા મળી રહ્યા હતા ત્યારે મેં એક સ્વપ્ન જોયું. મેં જોયું કે, ગર્ભધારણ કરાવનારા નર જાતિનાં ઢોર ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરાં હતાં.

Genesis 31 illustration - Genesis Chapter 31

11પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’“એટલે મેં કહ્યું, ‘જી!’

12“દેવના દૂતે કહ્યું, ‘જો, ગર્ભધારણ કરનારાં ટોળામાં નર ઢોર બધાં જ ચટાપટાવાળા, ટપકાવાળાં અને કાબરચીતરા છે; હું આમ કહી રહ્યો છું કારણ કે લાબાનનો તારી સાથે દુર્વ્યવહાર મેં જોયો છે.

13હું એ દેવ છું, જે બેથેલમાં તારી પાસે આવેલ એ જગ્યાએ તેં એક વેદી બનાવી અને તેલથી તેનો અભિષેક કર્યો હતો. અને માંરી આગળ શપથ લીધા હતા. હવે ઊભો થા, અને અત્યારે જ આ જગ્યા છોડી દે, અને તારા જન્મસ્થળે પાછો જા.”‘

14ત્યારે રાહેલ અને લેઆહે જવાબ આપ્યો, “અમાંરા પિતા પાસે તેમના મૃત્યુ પછી અમને વારસામાં આપવા કશું બાકી રહ્યું છે ખરું?”

15“તેણે અમાંરી સાથે એક અજાણ્યા વ્યકિત જેવું વર્તન કર્યુ છે. તેણે અમને તમાંરી પાસે વેચી દીધા છે અને બધા પૈસા ખચીર્ નાખ્યાં છે જે અમાંરા હોવા જોઇએ.

Genesis 31 illustration - Genesis Chapter 31

16દેવે તે બધી જ સંપત્તિ અમાંરા પિતા પાસેથી લઈ લીધી છે, તે બધી અમાંરી છે, અને અમાંરાં બાળકોની છે; માંટે દેવે જે કરવા માંટે કહ્યું છે તે જ તમે કરો.”

17તેથી યાકૂબે મુસાફરીની તૈયારી કરી. તેણે પોતાની પત્નીઓ અને પુત્રોને ઊંટ પર બેસાડયાં.

18પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હંાકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.

19તે સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાપવા ગયો હતો. તે દરમ્યાન રાહેલે તેના ઘરમાં ધૂસી જઈને પોતાના પિતાના કુળદેવતા ચોરી લાવી.

20યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે.

Genesis 31 illustration - Genesis Chapter 31

21યાકૂબે પોતાનો પરિવાર અને બધી જ મિલકત જલદી જલદી લઈ લીધી અને પછી નદી (ફાત) ઓળંગીને ગિલઆદના પહાડી પ્રદેશ તરફ ચાલવા માંડયું.

22ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે, યાકૂબ ભાગી ગયો છે.

23તેથી તેણે પોતાના માંણસોને સાથે લીધા અને સાત દિવસ સુધી તેનો પીછો કયો, છેવટે યાકૂબ ગિલઆદના પહાડી પ્રદેશમાં પકડાઈ ગયો.

24પણ તે રાત્રે દેવે લાબાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબને જે કાંઈ કહો તેના એક-એક શબ્દ માંટે સાવચેત રહેજો, યાકૂબને સારું કે, માંઠું કાંઈ કહીશ નહિ.”

25જયારે યાકૂબને લાબાને પકડી પાડયો, ત્યારે તેણે પહાડી પ્રદેશમાં મુકામ કયો હતો. તેથી તેના માંણસોએ એ જ પહાડી પ્રદેશમાં મુકામ કયો.

Genesis 31 illustration - Genesis Chapter 31

26લાબાને યાકૂબને કહ્યું, “તેં માંરી સાથે દગો શા માંટે કર્યો? અને તું માંરી પુત્રીઓને યુદ્વમાં પકડાયેલી હોય તેમ શા માંટે લઈ જાય છે?”

27તું મને છેતરીને કહ્યા વગર જ ચૂપચાપ કેમ ભાગી ગયો? જો તેં મને જણાવ્યું હોત તો મેં ઉજવણી કરીનેે વાજતેગાજતે વિદાય આપી હોત.

28તેં મને માંરાં પૌત્રપૌત્રીઓને તથા માંરી પુત્રીઓને છેલ્લી વાર ભેટવા તથા ચુંબન કરવા દીધા નહિ, તેં આમ કરીને બહુ મૂર્ખામીભર્યુ વર્તન કર્યુ છે.

29તને નુકસાન કરવું એ તો માંરા ડાબા હાથની વાત છે. પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના દેવે મને સ્વપ્નમાં આવીને ચેતવણી આપીને કહ્યું,”ખબરદાર, યાકૂબને જરા પણ સારું કે, માંઠું કહીશ નહિ.”

30મને ખબર છે કે, તું તારે ઘેર જવા ઘણો આતુર છે, એટલે તું ચાલી નીકળ્યો, એ તો જાણે સમજયા, પરંતુ તેં માંરા ઘરમાંથી દેવોને શા માંટે ચોરી લીધા?”

Genesis 31 illustration - Genesis Chapter 31

31યાકૂબે લાબાનને કહ્યું, “હું તમને કહ્યાં વિના એટલા માંટે ચાલી નીકળ્યો કારણ કે હું ડરી ગયો હતો. મને એમ કે તમે તમાંરી પુત્રીઓને જબરજસ્તી માંરી પાસેથી લઈ લેશો.

32પરંતુ મેં તમાંરા દેવોની ચોરી કરી નથી. અહીં માંરા કોઈ પણ માંણસ પાસેથી જો તમાંરા દેવો નીકળે તો હું તેને માંરી નાખીશ. તમાંરા માંણસો જે માંરા સાક્ષી બનશે. આપણા માંણસોના દેખતાં માંરી પાસે તમાંરું જે કંઈ હોય તે ઓળખી બતાવો અને લઈ જાઓ.” હવે, યાકૂબને તો ખબર જ નહોતી કે, રાહેલે લાબાનને ઘરેથી દેવો ચોર્યા છે.

33તેથી લાબાન યાકૂબના તંબુમાં ગયો. તેણે ત્યાં શોધ શરૂ કરી. લેઆહના તંબુમાં પણ ગયો અને બે દાસીઓના તંબુમાં પણ ગયો. પણ તેને દેવ મળ્યાં નહિ, પછી તે લેઆહના તંબુમાંથી નીકળી રાહેલના તંબુમાં પ્રવેશ્યો.

34રાહેલે ઊંટના જીનમાં દેવતાઓને સંતાડી દીધા હતા. અને તે તેના પર બેઠી હતી. લાબાને આખા તંબુમાં તપાસ કરી પણ દેવો મળ્યા નહિ.

35પછી રાહેલે તેણીના પિતાને કહ્યું, “પિતાજી, માંરા પર ગુસ્સો ન કરતા. હું તમાંરી સામે ઊભી રહેવા માંટે પણ અસમર્થ છું. આ સમયે માંરો માંસિકધર્મ ચાલી રહ્યો છે.” તેથી લાબાને આખા તંબુમાં દેવોની તપાસ કરી, પરંતુ તે તેઓને શોધી શકયો નહિ.

Genesis 31 illustration - Genesis Chapter 31

36પછી યાકૂબ બહુ જ ગુસ્સે થયો, યાકૂબે કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે? મેં કયા નિયમનો ભંગ કરીને પાપ કર્યુ છે? તમે માંરી પાછળ શા માંટે પડયા છો?

37માંરું જે કાંઈ છે તે બધું તેં તપાસ્યું છતાં તારા ઘરની કોઈ ચીજ તારા હાથમાં આવી ખરી? જો તારા હાથમાં કોઈ ચીજ આવી હોય તો તારા માંણસો અને માંરા માંણસો આગળ રજૂ કર. એ આપણા બંન્નેનો ન્યાય કરે.

38મેં તમાંરા માંટે વીસ વર્ષ સુધી કામ કર્યુ છે. તે બધાં જ સમય દરમ્યાન કોઈ પણ બચ્ચું ઘેટીઓનું જન્મ થતી વખતે મૃત્યુ પામ્યું નથી અને ઘેટી પણ મૃત્યુ પામી નથી. મેં તારાં ઘેટાં-બકરાંનાં ટોળામાંથી એક પણ ઢોર ખાધું નથી.

39જો કોઈ જંગલી પ્રાણીઓએ કોઈ ઘેટાને ફાડી નાખ્યું હોય તો મેં તેને તારી આગળ રજૂ કર્યા નથી! એ નુકસાન મેં પોતે ભરપાઈ કર્યુ છે. દિવસે કે, રાતે જે કાંઈ ચોરાઈ જતું તે બધું તમે માંરી પાસે વસૂલ કરતા.

40દિવસના સખત તાપથી અને રાતની સખત ઠંડીથી હું થાકી ગયો હતો. તેથી કાતિલ ઠંડી રાત્રિઓને લીધે હું સૂઇ શકતો નહોતો.

Genesis 31 illustration - Genesis Chapter 31

41મેં માંરા જીવનનાં વીસ વર્ષ એક ગુલામની જેમ તમાંરા ઘરમાં વિતાવ્યાં છે. પહેલાંના ચૌદ વરસ તમાંરી બે પુત્રીઓને પરણીને મેળવવા માંટે અને છેલ્લા છ વર્ષ મેં તમાંરાં ઘેટાં-બકરાંને સંભાળ્યાં છે, અને તે દરમ્યાન તમે દશ વાર માંરી મજૂરીનાં દરમાં ફેરફાર કર્યો છે.

42પરંતુ જો માંરા પૂર્વજોના દેવ, ઇબ્રાહિમના દેવ અને દેવ જેની ઈસહાક ઉપાસના કરે છેતે દેવ માંરા પક્ષમાં ના હોત તો તમે મને ખાલી હાથે કાઢી મૂકયો હોત. પરંતુ દેવે માંરી વેદના અને માંરા કામને ધ્યાનમાં લીધાં. અને ગઇ રાતે દેવે સાબિત કર્યુ કે, હું સાચો છું.”

43લાબાને યાકૂબને કહ્યું, “આ છોકરીઓ તો માંરી પુત્રીઓ છે. તેમનાં બાળકો માંરાં છે. આ ઘેટાંબકરાં માંરાં છે, અને જે બધું તમે અહીં જુઓ છો તે માંરું છે. પરંતુ હું માંરી પુત્રીઓ અને તેનાં બાળકોને રાખવા માંટે કશું જ કરી શકતો નથી.

44એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.”

45પછી યાકૂબે એક મોટો પથ્થર કરારના સ્માંરકસ્તંભ તરીકે ઉભો કર્યો કે, જેથી તે પુરવાર કરે કે, તેમણે કરાર કર્યો હતો.

Genesis 31 illustration - Genesis Chapter 31

46પછી તેણે પોતાના માંણસોને પથ્થરા ભેગા કરવા માંટે કહ્યું. તેમણે પથ્થરા ભેગા કરીને એક ઢગલો કર્યો. અને તે ઢગલા પાસે બેસીને તેમણે ભોજન કર્યુ.

47એ જગ્યાનું નામ લાબાને યગાર-સાહદૂથા રાખ્યું અને યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.

48લાબાને યાકૂબને કહ્યું, “આ ખડકોનો ઢગલો આપણને આપણા કરારનું સ્મરણ કરવા મદદ કરશે.” એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.

49એટલે લાબાને કહ્યું, “યહોવા આપણા ‘બે’ જુદા થવાના સાક્ષી રહે, અને તે આપણા ઉપર નજર રાખે.” માંટે એ જગ્યાનું બીજું નામ મિસ્પાહ રાખ્યું.

50પછી લાબાને કહ્યું. “જો તમે માંરી પુત્રીઓને દુ:ખ આપશો અથવા બીજી સ્ત્રીઓને પરણશો તો દેવ તમને સજા કરશે, અહીં આપણા વચ્ચે કરારનો કોઇ સાક્ષી નથી. અને છતાં, યાદ રાખજો કે, દેવ તમાંરી અને માંરી વચ્ચે સાક્ષી છે.”

Genesis 31 illustration - Genesis Chapter 31

51પછી લાબાને કહ્યું, “તારી અને માંરી વચ્ચે આ ઢગલો અને આ સ્માંરકસ્તંભ મેં ઊભો કર્યો છે તે આપણને તેનું સ્મરણ કરાવશે કે, આપણે કરાર કર્યો છે. તેનું ધ્યાન રાખજે.

52આ પથ્થરનો ઢગલો અને આ સ્માંરકસ્તંભ પણ સાક્ષી છે, તે આપણને આપણા કરારનું સ્મરણ કરાવવામાં મદદરૂપ થશે કે, આ ઢગલાને ઓળંગી માંરે તારી પાસે અથવા આ ઢગલાને અને થાંભલાને ઓળંગીને તારે માંરી પાસે લડવા માંટે કે નુકશાન કરવા આવવાનું નથી.

53જો આપણાંમાંથી કોઇ પણ આ કરારનો ભંગ કરે તો ઇબ્રાહિમના દેવ અને નાહોરના દેવ આપણો ન્યાય કરો.”આથી યાકૂબે પોતાના પિતા ઇસહાક જેની ઉપાસના કરતા હતા તે દેવના સમ ખાધા.

54પછી યાકૂબે એક પશુનો વધ કરી અને પહાડ પર યજ્ઞના રૂપમાં ભેટ ધરીને પોતાના માંણસોને ભોજન કરવા માંટે બોલાવ્યા. ભોજન કર્યા પછી તેઓએ પહાડ પર રાત વિતાવી.

55બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો.

Chapter Complete

You have read Genesis 31

55 verses