Lumina
Exodus

Israel Oppressed in Egypt

Exodus 1·Gujarati Bible

1યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે:

2રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા;

3ઈસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન;

4દાન અને નફતાલી, ગાદ અને આશેર.

5યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો.

Exodus 1 illustration - Exodus Chapter 1

6ત્યારબાદ સમય જતાં યૂસફનું અવસાન થયું. પછી તેના બધાજ ભાઈઓ અને તે આખી પેઢીના માંણસો અવસાન પામ્યા.

7પરંતુ ઇસ્રાએલની વસ્તીમાં અનહદ વધારો થતો જ રહ્યો. તેઓની સંખ્યા પુષ્કળ વધી અને તેઓ એટલા બધા શક્તિશાળી બન્યા કે સમગ્ર દેશમાં તેઓ છવાઈ ગયા.

8હવે મિસરમાં એક નવા રાજાનું શાસન શરૂ થયું. તે વ્યક્તિને યૂસફ વિષે કશી જ ખબર નહોતી.

9તે રાજાએ પોતાની પ્રજાને કહ્યું, “ઇસ્રાએલની, પ્રજાને જુઓ, તેમની વસ્તિ પુષ્કળ છે, અને આપણા લોકો કરતાં તે વધુ શક્તિશાળી છે.

10માંટે હવે આપણે તેમની વિરુદ્ધ કોઈ ચોક્કસ યોજના ઘડવી જોઈએ. જેથી તેઓમાં વધારો થતો અટકી જાય. નહિ તો યુદ્ધ ફાટી નીકળે ત્યારે તેઓ આપણા દુશ્મનો સાથે ભળી જઈને આપણી સામે લડશે અને આપણા દેશમાંથી ભાગી જશે.”

Exodus 1 illustration - Exodus Chapter 1

11એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.

12પણ જેમ જેમ તેમના પર ત્રાસ વધતો ગયો તેમ તેમ તેમની વૃદ્ધિ થતી ગઈ. વિસ્તાર વધતો ગયો અને મિસરના લોકો ઇસ્રાએલી લોકોથી વધારેને વધારે ભયભીત થવા લાગ્યા.

13આથી તે લોકોએ ઇસ્રાએલીઓ પાસે ચાકરની જેમ સખત મજૂરી કરાવવા માંડી.

14તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.

15ત્યાં શિફાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તે હિબ્રૂ દાયણોને મિસરના રાજાએ કહ્યું:

Exodus 1 illustration - Exodus Chapter 1

16“જ્યારે તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા માંટે ખાટલા પાસે જાઓ ત્યારે તેમનાં સંતાનની જાતિ પર ધ્યાન રાખો; છોકરો હોય તો તેને માંરી નાખવો, અને જો છોકરી હોય તો તેને જીવતી રહેવા દેવી.”

17પરંતુ દાયણો દેવથી ડરીને ચાલનારી અને દેવમાં વિશ્વાસ કરતી હતી, એટલે તેણે મિસરના રાજાની આજ્ઞાનું પાલન ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.

18તેથી મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માંટે કર્યું? તમે લોકોએ છોકરાઓને શા માંટે જીવતા રહેવા દીધા?”

19ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી. તેઓ સશકત અને ખડતલ હોય છે તેથી દાયણના આવતાં પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.”

20તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું.

Exodus 1 illustration - Exodus Chapter 1

21અને હિબ્રૂ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી.દાયણો દેવથી ડરીને ચાલતી હતી એટલે તેણે તેમને કુટુંબકબીલાવાળી ઘરવાળી બનાવી.

22એટલા માંટે ફારુને પોતાના બધા લોકોને આજ્ઞા કરી કે, “હિબ્રૂઓને જન્મેલા પ્રત્યેક છોકરાને નદીમાં ફેંકી દેવા, પણ છોકરીઓને જીવતી રહેવા દેવી.”

Chapter Complete

You have read Exodus 1

22 verses