Lumina
Ecclesiastes

Vows and Riches

Ecclesiastes 5·Gujarati Bible

1દેવના મંદિરમાં તમે જાઓ ત્યારે તમારાં પગલાં સંભાળો. ભૂંડુ આચરણ કરે છતાં તે બાબતમાં સભાન ન રહે તેવા મૂર્ખ માણસોના જેવા યજ્ઞાર્પણો લાવવા કરતાં દેવનાં વચનો ધ્યાનથી સાંભળવા તે વધારે ઉચિત છે.

2તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.

3કારણ કે અતિશય શ્રમની ચિંતાથી રાત્રે સ્વપ્નો આવે છે અને બહુ બોલવાથી મૂર્ખની મૂર્ખાઇ ઉઘાડી પડી જાય છે.

4જ્યારે તમે દેવ સમક્ષ જે પ્રતિજ્ઞા લીધી હોય તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કારણ કે દેવ મૂર્ખાઓ પર રાજી નથી હોતા; તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.

5તમે પ્રતિજ્ઞા લો અને પાળો નહિ તેના કરતાં તમે પ્રતિજ્ઞા ના લો તે વધારે ઉચિત છે.

Ecclesiastes 5 illustration - Ecclesiastes Chapter 5

6તમે તમારી જાત પાસે પાપ કરાવવા દેતા નહિ, દેવના દૂતને તમે એમ કહેતા નહિ કે તમારાથી ભૂલમાં વચન અપાઇ ગયું હતું, કારણ કે એ દેવને હજી વધારે ગુસ્સે કરાવશે. અને કદાચ તમારી સમૃદ્ધિ નષ્ટ કરશે.

7કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ.

8જો તમે ગરીબો પર થતાં અત્યાચાર અને દેશમાં ન્યાયને ઊઁધા વાળતા અતિશય ત્રાસને જુઓ, તો તે વાતથી આશ્ચર્ય પામશો નહિ, કારણ કે પ્રત્યેક અધિકારી તેનાથી ઊંચા અધિકારીના હાથની નીચે છે અને ઊંચો અધિકારી તેના પર દેખરેખ રાખનારની નજર હેઠળ છે.

9પૃથ્વીની ઊપજ તો તે બધાંને મળે છે. અને રાજા પણ તેના ખેતરોનો ગુલામ છે.

10પૈસાનો લોભી પોતાની પાસે જે છે તેનાથી તૃપ્ત થશે નહિ; અને સમૃદ્ધિનો પ્રેમી લોભી પોતાની આવકથી કદી સંતોષ પામશે નહિ; આ બધું પણ વ્યર્થ છે.

Ecclesiastes 5 illustration - Ecclesiastes Chapter 5

11જેમ તમારી પાસે શ્રીમંતાઇ વધતી જાય છે તેમ તેનો ઉપભોગ કરનારા પણ વધે છે; અને તેથી તેનાં માલિકને તો તે વપરાતી નજરે જોયા સિવાય બીજો શો લાભ થાય?

12શ્રમ કરનાર મનુષ્ય ઓછું ખાય કે વધારે, પણ તે શાંતિથી ઊંઘી જાય છે. ધનવાન ચિંતા કર્યા કરે છે અને તેની સમૃદ્ધિ તેને શાંતિથી ઊંઘવા દેતી નથી.

13મેં ત્યારબાદ દુનિયામાં સર્વત્ર એક ગંભીર બાબત જોઇ, એટલે સંપત્તિનો ધણી પોતાની હાનિને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી સંપત્તિ વધારે છે.

14પરંતુ ખોટા સાહસને કારણે સંપત્તિ ચાલી જાય છે અને તેના પોતાના પુત્રોના હાથમાં પણ કઇં આવતું નથી

15માતાના ગર્ભાશયમાંથી મનુષ્ય નગ્નસ્થિતિમાં બહાર આવે છે અને જાય છે ત્યારે એ જ સ્થિતિમાં વિદાય લે છે. સખત પરિશ્રમ કરીને જે કાંઇ પ્રાપ્ત કર્યુ છે તેમાંથી તે કઇં પણ સાથે લઇ જતો નથી.

Ecclesiastes 5 illustration - Ecclesiastes Chapter 5

16આ પણ એક ભારે દુ:ખ છે કે, જેવો તે આવ્યો હતો તે જ સ્થિતિમાં તેને પાછા જવું પડે છે; તે પવનને માટે પરિશ્રમ કરે છે અને અંતે સર્વ ઢસડાઇ જાય છે.

17વળી તેનું સમગ્ર આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.

18જુઓ, મને મનુષ્યનાં માટે જે બાબત સારી લાગી તે એ છે કે, દેવે તેને આપેલા આયુષ્યના સર્વ દિવસોમાં ખાવું પીવું, અને દુનિયામાં જે સઘળો શ્રમ કરે છે તેમાં મોજમજા માણવી; કારણ કે એ જ તેનો ભાગ છે.

19અને જો મનુષ્યને દેવ તરફથી સંપત્તિ પ્રાપ્ત થાય અને તેના ઉપભોગ માટે સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય તે વધારે સારું છે. તેથી તેને પોતાના કામમાં આનંદ માણવો અને તેને મળતો ભાગ સ્વીકારવો -ખરેખર આ જ સાચી દેવ તરફથી મળતી ભેટ છે.

20તેનાં જીવનનાં દિવસોનું તેને બહુ સ્મરણ રહેશે નહિ; કારણ કે તેના અંત:કરણનો આનંદ તો તેને દેવે આપેલો ઉત્તર છે.

Chapter Complete

You have read Ecclesiastes 5

20 verses