Lumina
Ecclesiastes

A Time for Everything

Ecclesiastes 3·Gujarati Bible

1પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે;

2જન્મ લેવાનો સમય, મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;

3મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

4રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;

5પત્થરો ફેંકી દેવાનો સમય અને પત્થરો એકઠાં કરવાનો સમય; આલિંગન કરવાનો સમય; તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;

Ecclesiastes 3 illustration - Ecclesiastes Chapter 3

6શોધવાનો સમય; ગુમાવવાનો સમય; રાખવાનો સમય; ફેંકી દેવાનો સમય;

7ફાડવાનો સમય; સીવવા કરવાનો સમય; શાંત રહેવાનો સમય; બોલવાનો સમય;

8પ્રેમ કરવાનો સમય; ધિક્કારવાનો સમય; યુદ્ધનો સમય સલાહ શાંતિનો સમય.

9આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે?

10દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે.

Ecclesiastes 3 illustration - Ecclesiastes Chapter 3

11યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

12હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું, તે કરતાં તેના માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી.

13તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.

14મને ખબર છે કે દેવ જે કંઈ કરે છે તે ભવિષ્યમાં સદાને માટે રહેશે; તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, આમા દેવનો મુખ્ય હેતુ એ છે કે માણસ દેવનો ડર રાખે.

15જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને દેવ પાછું શોધી કાઢે છે.

Ecclesiastes 3 illustration - Ecclesiastes Chapter 3

16વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું.

17મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”

18પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી.

19કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા!

20એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે.

Ecclesiastes 3 illustration - Ecclesiastes Chapter 3

21મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે? “

22તેથી મેં જાણ્યુ કે, માણસ પોતાના કામમાં આનંદ માણે, તેથી વધારે સારું કાંઇ નથી. એ જ તેનો ભાગ છે; ભવિષ્યમાં શું બનવાનું છે તેે તેને કોઇ દેખાડી શકે તેમ નથી.

Chapter Complete

You have read Ecclesiastes 3

22 verses