Lumina
Amos

Woe to Those at Ease

Amos 6·Gujarati Bible

1સિયોનમાં એશઆરામમાં અને આનંદમાં રહેનારા તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે રહેનારા “મુખ્ય” રાષ્ટના નામાંકિત માણસો જેઓ પાસે “ઇસ્રાએલના લોકો” આવે છે. કેવી ત્રાસજનક તમારી દશા થશે! દુર્ભાગ્ય તમારું!

2કાલ્નેહ નગર જઇને જુઓ, ત્યાંથી મહાન હમાથનગર જાઓ, અને ત્યાંથી પલિસ્તીઓના ગાથ શહેરમાં જાઓ, એ રાજ્યો કરતાં તમારી દશા શું સારી છે? અથવા તેમનો વિસ્તાર તમારા કરતાં શું વિશાળ છે?

3જે આફતનો દિવસ તમે પાછો ઠેલવા ધારો છો, પણ હિંસાનું રાજ્ય નજીક લાવો છો. અને તમારા કાર્યોથી ન્યાયકાળના દિવસોને પાસે લાવો છો.

4તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.

5તમે અર્થ વગરના ગીતો કામચલાઉ તંતુવાદ્ય વીણાના સૂર સાથે ગાઓ છો; તમે પોતા માટે દાઉદની માફક નવાં નવાં વાજિંત્રો બનાવો છો.

Amos 6 illustration - Amos Chapter 6

6તમે પ્યાલા ભરીને દ્રાક્ષારસ પીઓ છો અને પોતાના શરીરે મોંઘામાં મોંઘા અત્તર લગાવો છો, પણ દેશ ઉપર ઝઝૂમતી પાયમાલીની તમને પડી નથી!

7તેથી સૌ પ્રથમ તમને ગુલામો તરીકે લઇ જવામાં આવશે. અને તમારા એશઆરામનો અંત આવશે.

8મારા પ્રભુ યહોવાએ પોતાના નામે ચેતવણી આપે છે:“હું ઇસ્રાએલના અભિમાનને અને જૂઠા મહિમાને ધિક્કારું છૂં. અને તેમના મહેલોનો મને તિરસ્કાર છે. એટલે એમના શહેરને અને તેમાં જે કઇં છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઇશ, આ યહોવા સૈન્યોનો દેવના વચન છે.”

9જો કોઇ ઘરમાં દશ વ્યકિતઓ પાછળ રહી ગઇ હશે તો તેઓ મરી જશે.

10મૃત માણસના સગામાંથી જે માત્ર એક માણસ જીવતો છે, તે દફનવિધિ માટે શબ બહાર લઇ જવા ઘરમાં પ્રવેશ કરશે. ત્યારે અંદર છુપાઇ રહેલી વ્યકિતને તે પૂછશે, “શું અહિંયા કોઇ બીજું હજી છે?”અને તે જવાબ આપશે, “ના.”ત્યારે તે કહેશે, “ચૂપ રહે, આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. રખેને તે સાંભળી જાય.”

Amos 6 illustration - Amos Chapter 6

11કેમકે, જુઓ, યહોવા આદેશ આપી રહ્યા છે. તે મોટા ઘરોને ભાંગીને ભૂક્કો કરી નાંખશે અને નાના ઘરના નાના ટૂકડાં કરી નાખશે.

12શું ઘોડો ખડક માર્ગ પર દોડી શકે? શું બળદ ખડકો પર ખેડી શકે? એવું પૂછવું તે પણ મૂર્ખતા છે. તમે તો તેના કરતા પણ વધારે મૂર્ખ હતા? તમે ન્યાયને વિકૃત કરીને ઝેર જેવો બનાવ્યો છે અને દુષ્ટ વાતવરણ પેદા કર્યુ છે. અને પ્રામાણિકતાના ફળોને કડવા બનાવ્યા છે.

13તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો, અને તમે જ કહો છો, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”

14હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.

Chapter Complete

You have read Amos 6

14 verses