Lumina
2Kings

Jehu Anointed; Jezebel Killed

2Kings 9·Gujarati Bible

1આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા.

2તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે.

3પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”

4તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો.

5તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા. તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”

2Kings 9 illustration - 2Kings Chapter 9

6પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું.

7તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે.

8હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ.

9નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ.

10યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.”‘ પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.

2Kings 9 illustration - 2Kings Chapter 9

11યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”

12અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, ‘તેના કેહવાનો સાર આ હતો: તેણે કહ્યું; આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.”‘

13વાત સાંભળીને તે લોકોેએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”

14આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ -ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.

15પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”

2Kings 9 illustration - 2Kings Chapter 9

16પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.

17યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમંા એક ટૂકડી આવતી દેખાય છે.”ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”

18ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?”‘યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?” આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”

19રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”

20ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”

2Kings 9 illustration - 2Kings Chapter 9

21યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.

22યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”

23આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”

24પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.

25યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે;

2Kings 9 illustration - 2Kings Chapter 9

26“ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમંા ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”

27યહૂદાના રાજા અહાઝયાએ જ્યારે આ બધંુ જોયું કે તરત જ તે બેથ-હાગ્ગાનને રસ્તે ભાગી ગયો. પણ યેહૂએ તેનો પીછો પકડયો. અને કહ્યું, “એને પણ મારી નાખો.”યિબ્લઆમ પાસે આવેલા ગૂરના ચઢાવ આગળ તેઓએ તેને તેના રથમાં મારી નાખ્યો; તેણે મગિદૃોમાં આશરો લીધો. અને તે ત્યાં મૃત્યુ પામ્યો.

28ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમંા દફનાવ્યો.

29આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.

30યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી.

2Kings 9 illustration - 2Kings Chapter 9

31જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”

32યેહૂએ બારી તરફ ઊંચું જોયું અને કહ્યું, “મારા પક્ષે કોણ છે? કોઈ છે?”બેત્રણ અમલદારોએ ઉપરથી તેના તરફ જોયું.

33એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી.

34પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”

35જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું.

2Kings 9 illustration - 2Kings Chapter 9

36તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે;

37‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.”‘

Chapter Complete

You have read 2Kings 9

37 verses