Lumina
2Kings

Athaliah and Joash

2Kings 11·Gujarati Bible

1અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.

2પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,

3તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.

4સાતમે વષેર્ મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.

5“તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે.

2Kings 11 illustration - 2Kings Chapter 11

6બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો.

7જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે.

8રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.”

9તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા.

10યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં.

2Kings 11 illustration - 2Kings Chapter 11

11પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા.

12પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”

13લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ.

14જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”

15યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”

2Kings 11 illustration - 2Kings Chapter 11

16તેથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડાને દરવાજેથી તેને રાજમહેલમાં લઈ ગયા; ત્યાં તેનો વધ કર્યો.

17યહોયાદા રાજાએ, યહોવા અને પ્રજા વચ્ચે કરાર કર્યો કે તેઓ બધા યહોવાનેે વિશ્વાસુ રહેશે. તેણે રાજા અને પ્રજા વચ્ચે પણ કરાર કર્યો.

18પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો.યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા.

19પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું.

20અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.

2Kings 11 illustration - 2Kings Chapter 11

21યોઆશ જ્યારે રાજ કરવા આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતીં.

Chapter Complete

You have read 2Kings 11

21 verses